આજે આપણે બંધારણના વિષયમાં Election commission of India વિશેની માહિતી મેળવીશું જેમાં ભારતના ચૂંટણીપંચની રચના, ચૂંટણી પંચના સભ્યોની યોગ્યતા, ચૂંટણીપંચના સભ્યોનો કાર્યકાળ, ચૂંટણીપંચના સભ્યોને હટાવવાની પ્રક્રિયા, ચૂંટણીપંચના મુખ્ય કાર્યો અને અત્યાર સુધીના ભારતના ચૂંટણી કમિશ્નરોની યાદી સહિતની માહિતી આપવામાં આવી છે.
Election commission of India
>> ભારતના બંધારણમાં ભાગ-15માં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે. તથા અનુચ્છેદ-324માં ચૂંટણીપંચ અંગે જોગવાઈ કરવામાં આવી છે.
>> અનુચ્છેદ 324 : સંસદ, રાજય વિધાનમંડળ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદોની ચૂંટણીના સંચાલન, નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવશે.
>> આમ, ચૂંટણીપંચ એક અખિલ ભારતીય સંસ્થા છે. કારણ કે તે કેન્દ્ર અને રાજય સરકારો બંને માટે સમાન છે.
>> ભારતના પ્રથમ ચૂંટણી કમિશ્નર સુકુમાર સેન હતા.
ચૂંટણીપંચની રચના
>> ચૂંટણીપંચ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય 2 કમિશ્નરોનું બનેલું હોય છે.
>> મુખ્ય ચૂંટણી કમિશ્નર એ ચૂંટણીપંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.
>> મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નરોની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
>> ચૂંટણીપંચના સભ્ય સંખ્યા વિશે ભારતના બંધારણમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
>> ઇ.સ 1950થી ઇ.સ 1989 સુધી ચૂંટણીપંચ ‘એક સભ્ય’ સંસ્થા તરીકે કાર્ય કરતું હતું જેમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશ્નર જ હોય.
>> 61માં બંધારણીય સુધારા-1989થી રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશ્નરના કાર્યબોજમાં ઘટાડો કરવા 2 અન્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી.
>> ત્યારબાદ ચૂંટણીપંચ બહુસભ્ય સંસ્થા તરીકે કાર્ય કરવા લાગ્યું. જેમાં 3 ચૂંટણી કમિશ્નર હતા, પરંતુ ઇ.સ 1990માં અન્ય 2 ચૂંટણી કમિશ્નરના પદ સમાપ્ત કરવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ ઇ.સ 1993માં ફરીથી અન્ય 2 ચૂંટણી કમિશ્નરની નિમણૂક કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી કુલ 3 ચૂંટણી કમિશ્નર છે. (1 મુખ્ય અને 2 અન્ય)
>> મુખ્ય ચૂંટણી કમિશ્નર અને 2 અન્ય ચૂંટણી કમિશ્નરો પાસે સમાન શક્તિઓ તથા તેમના પગાર, ભથ્થા પણ સમાન જે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશ સમાન છે. પણ જ્યારે કોઈ નિર્ણય લેવામાં અસહમતતા થાય તો ચૂંટણી પંચ બહુમતીના આધારે નિર્ણય લે છે.
ચૂંટણીપંચના સભ્યોની યોગ્યતા
ભારતના બંધારણમાં ચૂંટણીપંચના સભ્યોની યોગ્યતા દર્શાવેલ નથી. રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિને નીમી શકે છે.
ચૂંટણીપંચના સભ્યોનો કાર્યકાળ
>> બંધારણમાં કોઈ ચોક્કસ કાર્યકાળ દર્શાવેલ નથી.
>> પરંતુ સામાન્ય રીતે 6 વર્ષ અથવા 65 વર્ષ બંનેમાંથી જે પહેલા હોય ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે છે.
>> તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું પણ આપી શકે છે.
>> મુખ્ય ચૂંટણી કમિશ્નરના પગાર, ભથ્થામાં તેના કાર્યકાળ દરમ્યાન કોઈ ફેરફાર કરી શકતા નથી.
ચૂંટણીપંચના સભ્યોને હટાવવાની પ્રક્રિયા
મુખ્ય ચૂંટણી કમિશ્નરને માત્ર રાષ્ટ્રપતિ માટે વપરાતી મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા જ હટાવી શકાય છે. પરંતુ અન્ય બે કમિશ્નરો અને પ્રાદેશિક ચૂંટણી કમિશ્નરોને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશ્નરની સલાહથી હટાવી શકે છે.
ચૂંટણીપંચના મુખ્ય કાર્યો
>> સૌપ્રથમ કાર્ય ચૂંટણી મતવિસ્તારનું પરિસિમન અથવા સીમાંકન જે દર 10 વર્ષના અંતરે થવાવાળી વસ્તી ગણતરી પછી કરવામાં આવે છે.
>> આ માટે ‘પરિસિમન આયોગ’ની રચના કરે છે. તેના માટે મુખ્ય ચૂંટણી કમિશ્નર, 2 સર્વોચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચ ન્યાયાલયના નિવૃત ન્યાયાધીશ તથા દરેક રાજયમાંથી 2 થી 7 સહાયક સભ્યો જે લોકસભા અથવા વિધાનસભામાંથી ચૂંટાયેલા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે. જે ચૂંટણી મતવિસ્તારનું નવેસરથી સીમાંકન કરે છે. આ સીમાંકન આયોગનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. તેની વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ થઈ શક્તિ નથી. પરિસિમન આયોગની આ વ્યવસ્થા “ઝેરીમેન્ડરીંગ” કહેવાય છે.
>> ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ અને રાજય વિધાનમંડળની ચૂંટણીઓનું નિયંત્રણ અને નિર્દેશન કરે છે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારયાદીઓ નક્કી કરે છે.
>> રાજકીય પક્ષોને માન્યતા આપે છે. રાજકીય પક્ષોને અનામત ચિન્હ પ્રદાન કરે છે. ચિન્હના મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે કોઈ વિવાદ થાય તો ચૂંટણીપંચ ન્યાયપૂર્ણ ઉકેલ લાવે છે. પણ તેને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે.
>> રાજકીય પક્ષ માટે ચૂંટણીઓ સંબધિત સામાન્ય નિયમો બનાવે છે. ચૂંટણી તારીખ અને કાર્યક્રમ સબંધી જાહેરનામું બહાર પાડે છે.
>> રાજકીય પક્ષો અને ઉમેદવાર માટે ચૂંટણીપંચ આદર્શ આચાર સંહિતા નક્કી કરે છે.
>> સંસદસભ્યો અને વિધાનસભ્યોની અયોગ્યતા સંબધી બાબતો પર ચૂંટણીપંચ રાષ્ટ્રપતિ અને સંબધિત રાજયના રાજપાલને સલાહ આપે છે.
>> રાજય સ્તર પર પ્રાદેશિક ચૂંટણીપંચની સહાયતા મુખ્ય ચૂંટણી અધિકારી કરે છે. જેમની નિમણૂક મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજય સરકારની સલાહ પર કરે છે.
>> તેના નીચે જિલ્લા સ્તર પર જિલ્લા કલેકટર, જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે. જે દરેક મતદાન કેન્દ્ર પર એક ચૂંટણી અધિકારીની નિમણૂંક કરે છે.
રાજયોમાં થવાવાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે ચૂંટણીપંચને કોઈ સબંધ નથી. આ માટે ભારતના બંધારણમાં અલગ રાજય ચૂંટણીપંચની વ્યવસ્થા કરવામાં આવી છે. (73મો બંધારણીય સુધારો)
અત્યાર સુધીના ભારતના ચૂંટણી કમિશ્નરો
ક્રમ | મુખ્ય ચૂંટણી કમિશ્નર | સમયગાળો |
---|---|---|
01 | સુકુમાર સેન | 1950-58 |
02 | વી.કે સુંદરમ | 1958-67 |
03 | એસ.પી.એન વર્મા | 1967-72 |
04 | ડો. નગેન્દ્ર સિંઘ | 1972-73 |
05 | ટી.સ્વામીનાથન | 1973-77 |
06 | એસ.એલ.શકઘર | 1977-82 |
07 | આર.કે.ત્રિવેદી | 1982-85 |
08 | આર.વી.એસ.પેરીશાસ્ત્રી | 1985-90 |
09 | વી.એસ.રામાદેવી | 1990-90 |
10 | ટી.એન.સેશન | 1990-96 |
11 | એમ.એસ.ગીલ | 1996-2001 |
12 | જે.એમ.લિગ્દોહ | 2001-2004 |
13 | ટી.એસ. ક્રિષ્નામુર્તિ | 2004-2005 |
14 | બી.બી ટંડન | 2005-2006 |
15 | એન. ગોપાલસ્વામી | 2006-2009 |
16 | નવીન ચાવલા | 2009-2010 |
17 | એસ.વાય. કુરેશી | 2010-2012 |
18 | વી.એસ. સામપથ | 2015-2015 |
19 | હરિશંકર બ્રહ્મા | 2015 -2015 |
20 | એસ.નસીમ ઝૈદી | 2015-2017 |
21 | અંચલ કુમાર જ્યોતિ | 2017-2018 |
22 | ઓમ પ્રકાશ રાવત | 2018-2021 |
23 | સુશીલચંદ્ર | 2021 થી વર્તમાન |
ભારતના બંધારણની ટેસ્ટ | click here |
ભારતના બંધારણની Pdf | click here |
સંપૂર્ણ ભારતનું બંધારણ | click here |