vidhan sabha ane vidhan parishad in gujarati : આજે આપણે રાજયની વિધાન સભા અને વિધાન પરિષદ એટેલે કે રાજય વિધાનમંડળ વિશે બંધારણીય ચર્ચા કરીશું. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
રાજય વિધાનમંડળ (State Legislature)
રાજય વિધાન મંડળની ભારતના બંધારણના ભાગ -06 જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં અનુચ્છેદ-168 થી અનુચ્છેદ 212 સુધી રાજય વિધાનમંડળનું સંગઠન, રચના, કર્યો અને કાર્યકાળ વિશેની જોગવાઇ કરવામાં આવી છે.
▶️ અનુચ્છેદ : 168
દરેક રાજય માટે એક વિધાનમંડળ હશે. જેમાં રાજયપાલ અને એક અથવા બે ગૃહનો સમાવેશ થાય છે.
દેશના તમામ વિધાન મંડળમાં એકરૂપતા જોવા મળતી નથી. મોટાભાગના રાજયોમાં વિધાન મંડળ એકગૃહી છે. તો અમુક રાજયોમાં બે ગૃહ ધરાવતું વિધાન મંડળ છે.
એક ગૃહ વાળા વિધાનમંડળમાં રાજયપાલ અને વિધાનસભા રહેશે, જ્યારે બે ગૃહ ધરાવતા વિધાન મંડળમાં રાજયપાલ, વિધાનસભા અને વિધાનપરિષદ રહેશે
વિધાન પરિષદ | વિધાનસભા |
ઉપલું ગૃહ | નીચલું ગૃહ |
દ્વિતીય ચેમ્બર | પ્રથમ ચેમ્બર |
Legislative council | Legislative assembly |
Elders’ House | Popular house |
વિધાનસભા
અનુચ્છેદ : 170 પ્રત્યેક રાજયમાં એક વિધાનસભા હશે, જે સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 સભ્યોથી બનેલી હશે.
>> દરેક રાજયમાં તેમના પ્રાદેશિક મતદારમંડળોની વસ્તી તેને ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યાનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી દરેક જગ્યાએ સમાન રહેશે.
(અપવાદ : વિશેષ રીતે ગોવા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં 30 સભ્યો, નાગાલેન્ડમાં 46 સભ્યો અને મિઝોરમ 40 સભ્યોની વિધાન સભા છે.)
(87મો બંધારણીય સુધારો 2001 દ્વારા આ બેઠક વ્યવસ્થાને 2026 વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે)
અનુચ્છેદ : 170 વિધાનસભાની બેઠકોની ફેરગોઠવણી દરેક વસ્તી ગણતરી પછી કરવામાં આવશે.
અનુચ્છેદ : 333 રાજયપાલ વિધાન સભામાં 1 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે.
આ ઉપરાંત SC/ST માટે રાજયમાં તેની વસ્તી મુજબ વિધાનસભામાં અનામત બેઠકો રાખવામા આવશે.
વિધાન પરિષદ
અનુચ્છેદ : 169 મુજબ રાજયની વિધાનસભા તેની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી અને વિધાનસભામાં હાજર રહીને મત આપનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી તે રાજય માટે વિધાનપરિષદની રચના કે નાબૂદી કરી શકે છે. જેની સંસદ દ્વારા મંજૂરી મળવી જરૂરી છે.
અનુચ્છેદ 171 : મુજબ વિધાનપરિષદની સભ્ય સંખ્યા ઓછાંમાં ઓછી 40 અને વધુમાં વધુ જે તે રાજયની વિધાનસભાની કુલ સભ્યસંખ્યાના 1/3 નક્કી કરાઇ છે. (આ સંખ્યા નક્કી કરવાની સત્તા સંસદની છે.)
વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી
અનુચ્છેદ : 171 મુજબ
>> 1/3 સભ્યો રાજયની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો તથા અન્ય સ્થાનિક સત્તામંડળના સભ્યોથી બનેલા મતદારમંડળ દ્વારા ચૂંટાય છે.
>> 1/12 રાજયમાં કાયમી વસવાટ કરતા ત્રણ (3) વર્ષના સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવે છે.
>> 1/12 રાજયની અંદર માધ્યમિક સ્તરથી નીચું નહીં તેવું 3 વર્ષથી શાળાઓમાં શિક્ષણ આપતા શિક્ષકોના બનેલા મતદારમંડળ દ્વારા ચૂંટાય છે.
>> રાજયની વિધાનસભાના સભ્યો દ્વારા 1/3 સભ્યો ચૂંટાય છે.
>> 1/6 રાજયપાલ દ્વારા સાહિત્ય, વિજ્ઞાન, કલા સહકારી પ્રવૃતિ અને સમાજ સેવામાં આગળ પડતી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે.
વિધાનમંડળના સભ્યો સબંધિત માહિતી
અહીં રાજયોના બંને ગૃહ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ, શપથ, બેવડું સભ્યપદ, ગેરહાજરી, રાજીનામું, પગાર ભથ્થા વગેરે જેવી માહિતી આપવામાં આવી છે.
અનુચ્છેદ 172 મુજબ રાજયના વિધાનમંડળોના સભ્યોનો કાર્યકાળ
1). વિધાનસભા : વિધાન સભાના સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. પરંતુ કટોકટીના સમયે સંસદ કાયદો બનાવી વિધાનસભાની મુદ્દત એક સમયમાં એક વર્ષ માટે વધારી શકે છે. (કટોકટી બાદ આ મુદ્દત માત્ર 6 મહિના લાગુ રહેશે)
2). વિધાન પરિષદ : વિધાન પરિષદ સ્થાયી ગૃહ છે, તે ભંગ થતું નથી તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત થાય છે. તેથી વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
સભ્યોના શપથ
અનુચ્છેદ 188 મુજબ : વિધાનસભા અથવા વિધાન પરિષદના તમામ સભ્યોને તેની બેઠક સાંભળતા પહેલા રાજયપાલ અથવા તેના દ્વારા નિમાયેલ વ્યક્તિ બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવડાવે છે.
>> જ્યાં સુધી સભ્ય શપથ ન લે ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ ન લઈ શકે અને મતદાન ન કરી શકે.
>> શપથ વગર ગૃહમાં બેસનાર અથવા મતદાન કરનાર સભ્યને પ્રતિદિન 500 રૂપિયાનો દંડ થશે.
વિધાનમંડળના સભ્યોના પગાર ભથ્થા
અનુચ્છેદ : 195 મુજબ વિધાનમંડળના સભ્યોના પગાર ભથ્થા નક્કી કરવાની સત્તા વિધાનમંડળ ની છે.
ગેરહાજરી
કોઈ સભ્ય સતત 60 દિવસ મંજૂરી વગર ગેરહજાર રહે તો તેની બેઠક ખાલી જાહેર કરી શકે છે. (60 દિવસની ગણતરીમાં જ્યારે ગૃહ સતત 4 દિવસથી વધુ સમય સ્થગિત રખાયેલ હોય તે સમયગાળો ધ્યાને લેવાશે નહિ)
બેવડું સભ્યપદ
>> વ્યક્તિ એક સાથે વિધાનમંડળના બંને ગૃહોના સભ્ય હોય શકે નહીં. જો ચૂંટાય તો રાજય વિધાનમંડળના કાયદા પ્રમાણે કોઈ એક ગૃહની બેઠક ખાલી પડશે.
>> કોઈ વ્યક્તિ સંસદ અને રાજય વિધાન મંડળ એમ બંનેના સભ્ય હોય શકે નહીં. જો તેઓ આમ ચૂંટાય તો જો તેઓ 14 દિવસમાં પોતાની રાજય વિધાનમંડળની બેઠક ખાલી ન કરે તો તેમની સંસદની બેઠક રદ થાય છે.
સભ્યનું રાજીનામું
વિધાનમંડળના સભ્યો તેમના ગૃહના અધ્યક્ષ/સભાપતિને રાજીનામું આપે છે.
સભ્યોની લાયકાત અને ગેરલાયકાત અહીં
અહીં વિધાન સભા અને વિધાન પરિષદના સભ્યોની લાયકાત અને ગેરલાયકાત સબંધિત માહિતી આપવામાં આવી છે.
સભ્યોની લયકાતો
બંધારણના અનુચ્છેદ: 173 મુજબ રાજય વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની લાયકાતો નક્કી કરેલી છે.
1). ભારતનો નાગરિક હોવો જોઈએ
2). વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષ અને વિધાન પરિષદનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ.
3). વખતો વખત સંસદ દ્વારા નક્કી કરેલ બધીજ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.
સભ્યોની ગેરલાયકાત
બંધારણના અનુચ્છેદ: 191 મુજબ રાજય વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ગેર-લાયકાતો નીચે મુજબ છે.
1). લાભનું પદ ધરાવતો હોય.
2). જો તે દેવાળિયો/નાદાર જાહેર થયેલ હોય.
3). અસ્થિર મગજનો હોય.
4). ભારતનો નાગરિક ન હોય અથવા તો બીજા દેશનું નાગરિકતા સ્વીકારી હોય.
5). સંસદના કાયદાથી ગેરલાયક હોય
ઉપર દર્શાવેલ વિધાન મંડળના સભ્યોની લાયકાત અને ગેર-લાયકાત ઉપરાંત બંધારણે સંસદને વિધાન મંડળના સભ્યપદ માટેની વિશેષ લાયકાતો નિર્ધારિત કરવાની સત્તા આપેલી છે. જે મુજબ સંસદે જનપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 (Representaion of Pepole Act-1951) અમલમાં મુકેલ છે. આ અધિનિયમ મુજબ લાયકાતો અને ગેર-લાયકાતો નીચે મુજબ છે.
લાયકાતો :
1). કોઈ રાજયની વિધાનસભા અને વિધાનપરિષદ સભ્ય તરીકે ચૂંટાવવા માટે જે તે રાજયની વિધાનસભાના મત વિસ્તારમાં મતદાર તરીકે નામ નોંધાયેલું હોવું જોઈએ.
2). જો વ્યક્તિ કોઈ અનામત બેઠક ઉપર ચૂંટણી લડવા ઇચ્છતા હોય તો તેઓ તે રાજયની અનુસૂચિત જાતિ/આદિજાતિના સભ્ય હોવા અનિવાર્ય છે. જો કે અનુસૂચિત જાતિ/આદિજાતિના સભ્યો બિન-અનામત બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે.
ગેર-લાયકાતો :
1). ચૂંટણી સંબધિત અપરાધો અથવા ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ બદલ દોષી સાબિત થયેલ હોય,
2). કોઈપણ ગુના બદલ કોર્ટ દ્વારા 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા થયેલી હોય.
3). સરકારી કામમાં અંગત ફાયદો ધરાવવાનો ઇરાદો..
4). ભ્રષ્ટાચાર અથવા રાજય પ્રત્યેની બેવફાઈ બદલ સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય.
5). લાભનું પદ ધરાવતો હોય
6). અશ્પૃશ્યતા, દહેજ, સતી જેવા સામાજિક કુરિવાજો બદલ ગુનેગાર સાબિત થયેલ હોય.
7). તે નિર્ધારિત સમયમાં પોતાના ચૂંટણી ખર્ચ દર્શાવવાનું ચૂકી ગયેલ હોય.
8). રાજયમાં વિભ્ભિન સમૂહો વચ્ચે દુશ્મનાવટ ઉત્પન્ન કરે એવામાં ગુનેગાર સાબિત થયેલ હોય.
સભ્યપદની ગેરલાયકાત અંગેનો નિર્ણય
અનુચ્છેદ : 192 મુજબ વિધાનસભા કે વિધાનપરિષદનો સભ્ય ગેરલાયક છે કે નહીં તે અંગે નો નિર્ણય રાજયપાલ ચૂંટણીપંચની સલાહથી લેશે.
જો બંધારણની અનુસૂચિ 10 મુજબ પક્ષપલ્ટા બદલ કોઈ સભ્ય ગેરલાયક ઠરે તો તે અંગેનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ અથવા વિધાનપરિષદના સભાપતિ લેશે.
વિધાનમંડળનું વર્ગીકરણ
વિગત | વિધાનસભા | વિધાનપરિષદ |
---|---|---|
સભ્યનો કાર્યકાળ | 5વર્ષ | 6વર્ષ |
મહત્તમ સંખ્યા | 500 | વિધાનસભાના 1/3થી વધુ નહીં |
ઓછામાં ઓછી સંખ્યા | 60 | 40 |
નિમણૂક થતાં સભ્યો | 1 એંગ્લો ઇન્ડિયન | ગૃહના 1/6 સભ્યો |
લઘુતમ ઉમર | 25વર્ષ | 30 વર્ષ |
અનામત | SC/ST માટે | અનામત નથી |
ચૂંટણી સિદ્ધાંત | પ્રાદેશિક પ્રતિનિધિત્વ | સપ્રમાણ પ્રતિનિધિત્વ |
વિસર્જન | કરી શકાય છે | કાયમી ગૃહ છે |
ગુજરાતમાં સંખ્યા | 182 | ગૃહ અસ્તિત્વમાં નથી |
Read more