ભારતના પ્રખ્યાત રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને કાયદશાસ્ત્રી મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ 18 જાન્યુઆરી, 1842ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ખાતે થયો હતો.
તેઓ બાળ લગ્નના કટ્ટર વિરોધી અને વિધવા પુન: વિવાહના સમર્થક હતા. તેઓ ગોપાલક્રુષ્ણ ગોખલેના ગુરુ હતા.
તેમણે ‘હિન્દી રાષ્ટ્રીય મહાસભા (ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ)’ ની સ્થાપનામાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા રચિત ‘મરાઠા સત્તાનો ઉદય’ ગ્રંથ પ્રમાણભૂત ગણાય છે.
તેમની મુખ્ય રચનાઓમાં ‘વિધવા પુન:લગ્ન’, ‘માલગુઝારી કાયદો’, અને ‘રાજા રામમોહનરાયનું જીવનચરિત્ર’ નો સમાવેશ થાય છે.
મહાદેવ ગોવિંદ રાનડે ‘ડેક્કન એજ્યુકેશન સોસાયટી’ ના સ્થાપક સભ્ય હતા. તેમણે સામાજિક સુધારણાના કાર્યોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમણે 31 માર્ચ, 1867 ના રોજ પ્રાથનાસમાજની સ્થાપના કરી હતી. આર્યસમાજ અને બ્રહ્મોસમાજનો પણ તેમના જીવન પર વિશેષ પ્રભાવ રહ્યો હતો. “To dare will execute and to be silent” એ તેમનો જીવનમંત્ર હતો.
મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કરનાર મહાદેવ ગોવિંદ રાનડે એક સ્વદેશી સેવક પણ હતા, તેથી જ તેઓ દેશમાં જ ઉત્પાદિત વસ્તુઓના ઉપયોગ કરવાની તરફેણમાં હતા.
તેમણે પત્ની રમાબાઈને શિક્ષણ આપી સમાજસુધારક બનાવ્યા હતા. તેમના નિધન બાદ તેમણે ચલાવેલી સમાજસુધારકની ઝુંબેશ રમાબાઈએ ચાલુ રાખી હતી.
16 જાન્યુઆરી, 1901ના રોજ તેમનું નિધન થયું હતું.
આ પણ વાંચો :
Mahadev govind ranade in Gujarati : અહીં આપેલ મહાદેવ ગોવિંદ રાનડે પરિચય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.